પન્ના: મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં વધુ એકવાર એક મજૂરનું નસીબ ચમક્યું છે. મળતી માહિતી પ્રમાણે લોકડાઉનમાં ઘરે પરત ફરેલા મજૂર ભગવાનદાસનું નસીબ ચમક્યું છે. ભગવાનદાસને ખાણકામ દરમિયાન એક સાથે 2 હીરા મળી આવ્યા છે. તે પછી ભગવાન અને તેના સાથીઓની ખુશીનો પાર ન રહ્યો. જણાવી દઈએ કે, પન્ના જિલ્લામાં દર વર્ષે ઘણા બધા લોકો આ રીતે લખપતિ બની જાય છે.
ભગવાનદાસે તેના સાથીદારો સાથે પન્ના જિલ્લાના કિતહા ખાતે હીરાની ખાણમાં ખાણકામ શરૂ કર્યું હતું. ખાણકામ કર્યા પછી તે છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્ટરિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન ભગવાનદાસને 2 હીરા મળી આવ્યા. હીરા જોઈને તે ખાણમાં જ ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો. ત્યારબાદ તે હીરા લઈને પન્ના જિલ્લા મથક ખાતે ડાયમંડ ઓફિસ પહોંચ્યો હતો.
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર ઇંગ્લેન્ડના આ કોચે ઉઠાવ્યા સવાલ, જાણો વિગત
ભગવાનદાસને જે હીરા મળ્યા છે તેમાં એક હીરો 7.94 અને બીજો હીરો 1.93 કેરેટનો છે. બજારમાં આ હીરાની અંદાજિત કિંમત આશરે 30 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. ભગવાનદાસે બંને હીરા ખનિજ ઓફિસમાં જમા કરાવ્યા છે. હરાજી બાદ જે રકમ આવશે તેના પર ટેક્સ કાપીને રકમ ભગવાનદાસને ચૂકવવામાં આવશે. ભગવાનદાસ તેના પરિવાર અને સાથીદારો સાથે હીરા જમા કરાવવા ડાયમંડ ઓફિસ પહોંચ્યો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર વર્ષ 2021માં ડાયમંડ ઓફિસમાં જમા કરવામાં આવેલા આ પહેલા હીરા છે. મજૂર ભગવાનદાસે કહ્યું કે, હું પહેલાં બહાર કામ કરતો હતો, પરંતુ લોકડાઉનમાં ઘરે આવ્યો હતો. કોઈ કામ ન હોવાથી ઘરે બેઠો હતો. ત્યારબાદ મેં 5 લોકો સાથે મળીને ખાણકામ શરૂ કર્યું. ફિલ્ટરિંગ દરમિયાન અમને 2 હીરા મળ્યા છે. મજૂરે કહ્યું કે હવે રૂપિયા ઘરની જરૂરિયાતોને પૂર્ણ કરશે અને બાળકોનું શિક્ષણ સારી રીતે કરવામાં આવશે. હીરા મળ્યા પછી હું ખૂબ જ ખુશ છું. હવે વધુ મહેનત કરીશ.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ